Gandhinagar, EL News
ગાંધીનગરમાં રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. વતનમાં ઘર બનાવવા માટે મહેસાણા જતા 70 વર્ષીય વૃદ્ધ રાંઘેજા સુધી રિક્ષામાં બેઠા હતા. ત્યારે રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેઠેલા શખ્સોએ વૃદ્ધના રૂ. 40 હજાર 530ની લૂંટ કરી હતી. આ મામલે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઘર બનાવવા માટે રોકડા સાથે લઈ વતન જવા નીકળ્યા
મળતી માહિતી મુજબ, મહેસાણાના અંબાસણ ગામના વતની અને હાલ ગાંધીનગરમાં ક-7 પાસેના છપારાં વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વિઠ્ઠલભાઈ પરિવાર સાથે રહે છે. વતનમાં ઘર બનાવવાનું હોવાથી તેઓ મહેસાણા જવા માટે ઘરેથી નીકળ્યા હતા. રાંધેજા ચોકડી સુધી જવા માટે વિઠ્ઠલભાઈ ખ-7 સર્કલ પાસેથી એક રિક્ષામાં બેઠા હતા, જેમાં પાછળની સીટ પર એક મહિલા અને બે પુરુષ પહેલાથી જ બેઠા હતા.
બેસવામાં ફાવતું નથી કહી વૃદ્ધને નીચે ઉતાર્યા
આ પણ વાંચો… ટાટા ગ્રુપની આ બે કંપનીના શેરોમાં સતત તેજી,
દરમિયાન રિક્ષામાં બેઠેલા ત્રણેય એ ડ્રાઇવરને કહ્યું કે, બેસવામાં ફાવતું નથી, કાકાને નીચે ઉતારી દો. આથી વિઠ્ઠલભાઈને રિક્ષાચાલકે નીચે ઉતારી રાંધેજા તરફ નીકળી ગયો હતો. થોડા સમય બાદ વિઠ્ઠલભાઈએ ખિસ્સામાં હાથ નાખતા જાણ થઈ કે સાથે લાવેલા રૂ.40 હજાર 530 ગાયબ છે. આ મામલે વિઠ્ઠલભાઈએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.