Gandhinagar, EL News
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતની મુલાકાતે છે. 28 મે, રવિવારના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ગાંધીનગરના ઝુંડાલ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો ઉમટી પડ્યા હતા. જો કે, કાર્યક્રમ દરમિયાન સાંજે એકાએક વાતાવરણમાં પલટો થતા ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા હતા, જેના પગલે દરબારમાં હાજર ભક્તો મુશ્કેલીમાં મુકાયા હતા અને વરસાદથી બચવા માટે ખુરશીઓ માથે લઈ ઊભા રહ્યા હતા.
કેટલાક ભક્તો ઘરે જતા રહ્યા
ગાંધીનગરના ઝુંડાલ ખાતે રવિવારે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને સાધુ-સંતો હાજર રહ્યા હતા. જો કે, આ કાર્યક્રમ દરમિયાન એકાએક વાતાવરણમાં પલટો થતા ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આથી દરબારમાં હાજર તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદથી બચવા માટે ભક્તોએ બેસવા માટે મુકેલી ખુરશીઓ માથે લઈ લીધી હતી. જ્યારે કેટલાક ભક્તો કાર્યક્રમમાંથી પોતાના ઘરે જતા રહ્યા હતા. જણાવી દઈએ કે, ઝુંડાલમાં આવેલા રાઘવફાર્મ ખાતે આ દિવ્ય દરબાર કાર્યક્રમ યોજાયો હતો, જેનું આયોજન ગુરૂ વંદના મંચ દ્વારા કરવામાં આવ્યું હતું.
આજે ઓંગણજ ખાતેનો કાર્યક્રમ રદ કરાયો
આ પણ વાંચો… ભ્રષ્ટાચારના બ્રિજ મામલે આરોપીઓએ કર્યું આત્મસમર્પણ
શહેરમાં રવિવારે અચાનક ભારે પવન સાથે વરસાદ થયો હતો, જેના કારણે કેટલાક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હતા તો કેટલાક વિસ્તારમાં રસ્તા પર ભૂવા પડ્યા હતા. ત્યારે બાબા બાગેશ્વરનો ઓંગણજમાં આજે યોજાનારો દિવ્ય દરબારનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે. જો કે, હવે શહેરના જીએમડીસીમાં આ કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. જો કે, ઓંગણજનો કાર્યક્રમ રદ થતા નવા કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ વરસાદ પડી શકે છે. વરસાદના કારણે આજનો ઘીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજનો કાર્યક્રમ રદ થયો છે.