Gandhinagar, EL News
ગાંધીનગરના માણસામાં મહાવીર કોમ્પ્લેક્સમાં આવેલા એક ઇલેક્ટ્રોનિક્સ શોરૂમમાં ધોળા દિવસે ત્રણ જેટલા શખ્સોએ લોખંડની પાઇપો સાથે ઘૂસી આતંક મચાવ્યો હતો અને શોરૂમના કાંચ તોડી, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની તોડફોડ કરી રૂ. 71 હજારની લૂંટ કરી ફરાર થયા હતા. આ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉના બાકી રૂપિયા માગતા શખ્સ ઉશ્કેરાયો હતો
માણસામાં આવેલા મહાવીર કોમ્પ્લેક્સમાં સાગરભાઈ ઘનશ્યામભાઇ દરજી છેલ્લાં 15 વર્ષથી પૂનમ ઇલેક્ટ્રોનિક્સ નામનું શોરૂમ ધરાવી વ્યવસાય કરે છે. બુધવારે બપોરે સાગરભાઈ તેમના પિતા સાથે શોરૂમમાં હતા ત્યારે ભરત ઉર્ફે ડિગ્રી દશરત ઠાકોર ત્યાં આવ્યો હતો અને તેની ઓફિસમાં બે એ.સી. ફીટ કરવાનું કહ્યું હતું. જો કે, અગાઉ તિજોરીના બાકી રૂ. 23 હજાર આપવાનું સાગરભાઈએ કહેતા ભરત ઠાકોર ઉશ્કેરાયો હતો અને જોઈ લેવાની ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો.
શોરૂમના માલિકને જાનથી મારવાની ધમકી આપી
આ પણ વાંચો… કોરિયન ગ્લો માટે ચહેરા પર ચોખાનો ફેસ પેક લગાવો
ત્યાર બાદ સાંજના સમયે ભરત તેમના બે સાગરિતા સાથે સાગરભાઈના શોરૂમમાં આવ્યો હતો અને લોખંડની પાઇપ વડે શોરૂમના કાંચ તોડી અંદર પડેલા ટીવી, એસી, ફ્રીઝ સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણોની તોડફોડ કરી હતી. ત્યાર બાદ રૂ. 71 હજારની લૂંટ કરી ત્યાંથી ફરાર થયા હતા. જતા સમયે ભરતે સાગરભાઈ અને તેમના પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સાગરભાઈએ શોરૂમમાં તપાસ કરતા 43 ઇંચના 2 ટીવી , 32 ઇંચના 2 ટીવી, એક કૂલર, ઘરઘંટી, ફ્રીજ, એક ટાવર ફેન, એસી તેમ જ એક્ટિવા મળીને કુલ રૂ.1 લાખ 58 હજાર 300નું નુકસાન તેમ જ રોકડ રૂ. 71 હજારની લૂંટ કરતાં ગયાનું જાણવા મળ્યું હતું. આ મામલે સાગરભાઈએ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.