Surat, EL News
આજથી ચાર વર્ષ પહેલા સુરતમાં એક એવી ઘટના બની હતી, જેણે ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમ જિંદગી મોતને ભેટી હતી. આ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તક્ષશિલા આર્કેડ ખાતે આજે સાંજે સત્સંગ-ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મૃતક બાળકોના વાલીઓ પણ હાજર રહેશે.
અગ્નિકાંડમાં 22 જેટલા માસૂમોનો જીવ ગયો હતો
24 મે, 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડના બિલ્ડિંગની પાછળના ભાગે સ્પ્લિટ એર કન્ડિશનરના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગની શરૂઆત થઈ હતી. જોતા જોતા આ આગ વિકરાળ બની હતી અને બિલ્ડિંગના ત્રીજા માળે ચાલતા ક્લાસરૂમ અને ચોથા માળે આગ પહોંચતાં વિદ્યાર્થીઓએ ઉપરથી નીચે કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. આ હચમચાવે એવી દુર્ઘટનામાં 22 જેટલા માસૂમ વિદ્યાર્થીઓના જીવ ગયા હતા. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ થઈ હતી.
આ પણ વાંચો… સાબરમતી પોલીસ સ્ટેશન દ્વારા ‘પોલીસ પ્રજા સમન્વય ‘કાર્યક્રમ
શ્રદ્ધાંજલિ આપવા સત્સંગ અને ધૂનનું આયોજન
આ દુર્ઘટનાને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આજે મૃતક માસૂમોને શ્રદ્ધાંજલિ આપવા માટે તક્ષશિલા આર્કેડ ખાતે રાતે 9.30થી 11 વાગ્યા સુધી સત્સંગ અને ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તક્ષશિલા અગ્નિકાંડ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે પણ સત્સંગ અને ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, દુ:ખની વાત તો એ છે કે આ ગોઝારી ઘટનાને 4 વર્ષ પૂર્ણ થયા હોવા છતા પણ મૃતક વિદ્યાર્થીઓના વાલીઓને હજી સુધી ન્યાય મળ્યો નથી.