Ahemdabad, EL News
અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે અમદાવાદમાં મોદી સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે. અમિત શાહ અમદાવાદના શાહીબાગ ખાતે આયોજિત મોદી સમાજના રાષ્ટ્રીય સંમેલનનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે અમિત શાહ સંબોધન પણ કરશે. આ રાષ્ટ્રીય સંમેલનનું આયોજન સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી કરી રહ્યા છે. સંમેલન બપોરે 1:00 વાગ્યે શરૂ થશે અને 4:00 વાગ્યા સુધી ચાલશે. આ સંમેલનમાં પૂર્ણેશ મોદી પણ હાજર રહેશે. પૂર્ણેશ મોદી સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટના કાર્યકારી વડા છે.
સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ મોદીની અટક બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, જે બાદ તેમની લોકસભાની સદસ્યતા પણ જતી રહી હતી. રાહુલ ગાંધીએ આ કેસમાં રાહત મેળવવા અને સજા પર સ્ટે આપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. કોર્ટ 4 જૂન પછી પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદીએ સ્થાપેલા આ ટ્રસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જ્યારે સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટના કાર્યકારી વડા પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો ત્યારે તેમણે કોર્ટમાં રાહુલ ગાંધી પર સમગ્ર મોદી સમાજનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે દેશભરમાં મોદી સમુદાયના લોકોની વસ્તી 13 કરોડની નજીક છે. મોદી સમાજના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત અને દેશના અન્ય ભાગોમાંથી મોદી સમાજના લોકો ઉપસ્થિત રહેશે. આ સંમેલનનું આયોજન શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ભવનમાં કરવામાં આવ્યું છે. આ સંમેલનની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી કરશે.
આ પણ વાંચો… સુરત: 2020ની વિદ્યુત સહાયક પરીક્ષામાં છેડછાડનો મામલો
ગયા વર્ષે થયું હતું સ્નેહ મિલન
ગત વર્ષે ગાંધીનગરમાં મોદી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને તેમણે આ પ્રસંગે મોદી સમાજના લોકોને સંબોધિત કર્યા હતા. મંચ પર સમસ્ત મોઢ મોદી સમાજ ગુજરાતના પ્રમુખ સોમાભાઈ મોદી અને કાર્યકારી વડા પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. સપ્ટેમ્બર 2022ના આ કાર્યક્રમ બાદ લગભગ 9 મહિના બાદ અમદાવાદમાં મોદી સમાજ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.