Ahmedabad, EL News
રાજ્યમાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આગ ઝરતી ગરમી વચ્ચે હવામાન વિભાગની એક નવી આગાહી સામે આવી છે. આ આગાહી મુજબ, ભરઉનાળે માવઠું પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. સુરત, નવસારી, વલસાડ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદયપુર, દાહોદમાં વરસાદ પડવાની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે. જો કે, હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ચિંતા ધઘી શકે છે. જણાવી દઈએ કે, મંગળવારે સવારે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. માહિતી મુજબ, છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો આવ્યો છે. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બોડેલીમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે.
આ પણ વાંચો…સુરતમાં ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાવતી ઘટના
અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચ્યું
બીજી બાજુ, હવામાન વિભાગે ગરમીને લઇને પણ આગાહી કરી છે. વિભાગની આગાહી મુજબ, આજે અને કાલે તાપમાન સરખું રહેવાની શક્યતા છે. જ્યારે કેટલાક શહેરોમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને, અમદાવાદમાં આગામી બે દિવસ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચ્યું છે.