Ahmedabad, EL News
જિલ્લા કલેક્ટર કચેરી, અમદાવાદ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરએ વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
અમદાવાદ જિલ્લાના વિવિધ પ્રજાકીય પ્રશ્નો અંગે સાંસદની અને ધારાસભ્યઓ રજૂઆતો બાબતે વિવિધ વિભાગોના અધિકારીઓ વચ્ચે સુગમ સંકલન થકી ત્વરિત ઉકેલ લાવવા બાબતે હકારાત્મક વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં જે-તે વિભાગોના પડતર પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આ બાબતે ઉપસ્થિત અધિકારીઓને ઝડપી કાર્યવાહી કરવા સૂચનો આપવામાં આવ્યાં હતાં. આ બેઠક અન્વયે વિવિધ વિભાગોની યોજનાઓના અમલીકરણ તેમજ સ્વાગત સપ્તાહની ઉજવણી સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઉનાળાના દિવસોમાં કોઈ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.
આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના સંસદસભ્ય, ધારાસભ્યઓ, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અમિત વસાવા, નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ, અધિક નિવાસી નાયબ કલેકટર ડૉ. વિમલ જોશી સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.