Ahmedabad , EL News
રાજ્યમાં ઉનાળાની ઋતુ શરૂ થયા પછી પણ લોકો છેલ્લા ઘણા દિવસથી બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જ્યારે હજી પણ આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું પડવાની આગાહી છે. પરંતુ ત્યાર બાદ ગરમી જોર પકડશે તેવી શક્યતા છે. આ વર્ષે એશિયામાં ભારત ઉનાળાની ઋતુમાં હોટસ્પોટ બનશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદ, ગાંધીનગરમાં આજે વાદળછાયું વાતાવરણ
અમદાવાદ, ગાંધીનગર સહિતના કેટલાક જિલ્લાઓમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ, સૌરાષ્ટ્ર, પોરબંદર, રાજકોટ અને દ્વારકામાં આજે વરસાદની સંભાવના છે. પરંતુ, સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ જતા ગુજરાત માટે રાહતના સમાચાર છે. આગામી દિવસોમાં લોકોને કમોસમી વરસાદથી રાહત મળશે.
આ પણ વાંચો…સુરત: ડીંડોલી વિસ્તારમાં મહિલાનો સળગેલો મૃતદેહ મળ્યો
તાપમાન 3થી 4 ડિગ્રીની વચ્ચે વધવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં તાપમાનનો પારો ઉંચકાતા ગરમી જોર પકડશે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 3થી 4 ડિગ્રીની વચ્ચે વધવાની શક્યતા છે. જ્યારે આગામી દિવસોમાં પારો 40 ડિગ્રી સુધી પહોંચશે તેવી સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હાલ વાદળછાયું વાતાવરણ હોવાથી ઠંડક છે. પરંતુ, આગામી દિવસોમાં ગરમી જોર પકડશે અને જિલ્લાઓમાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી શકે છે. એપ્રિલના મધ્ય અને મે મહિનામાં પારો 44થી 45 ડિગ્રી સુધી નોંધાય તેવી સંભાવનાઓ હાલ જોવાઈ રહી છે.