Vadodara , EL News
દેશભરમાં આજે ગુરુવારે હનુમાન જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. હનુમાન દાદાના મંદિરોમાં આજે મહાઆરતી, રામધૂન, સુંદરકાંડ મહાપૂજા, ભંડારા, શોભાયાત્રા, ભંજન સંધ્યા સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરામાં પણ હનુમાન મંદિરોમાં સુંદરકાંડ મહાપૂજા, શોભાયાત્રા, ભંડારા સહિતના વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જો કે, શહેરમાં બે શોભાયાત્રાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, અગાઉ રામનવમીની ઉજવણીના ભાગરૂપે નીકળનારી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. આથી હનુમાન જયંતીના દિવસે નીકળનારી શોભાયાત્રા દરમિયાન આ પ્રકારની ઘટના ન સર્જાય તે માટે શહેરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 700 પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. આ મામલે ઝોન-1ના ડીસીપીએ જણાવ્યું કે, શહેરના સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળનારી બે શોભાયાત્રાને લઈને યાત્રાના રૂટ પર એક ડીઆઇજીનું સુપરવિઝન, 2 ડીસીપી, 2 એસીપી, 18 પીઆઈ, 26 PSI, 550 હેડ કોન્સ્ટેબલ-એએસઆઇ, 101 એસારપી સહિત કુલ 634 પોલીસ જવાન તૈનાત રહેશે.
આ પણ વાંચો…રેસિપી / ઇફ્તારમાં બનાવો શીંગદાણાની આ ખાસ ચટણી
ક્રાઇમ, શી ટીમ અને ટ્રાફિક પોલીસ પણ હાજર રહેશે
ઉપરાંત, ક્રાઇમ બ્રાંચની ટીમ, શી ટીમ અને ટ્રાફિક પોલીસ પણ બંદોબસ્તમાં હાજર રહેશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વિભાગ દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ પહેલા રામનવમીના દિવસે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નીકળનારી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હોવાની ઘટના બની હતી. આથી પોલીસ દ્વારા હવે વડોદરા શહેરના ફતેહપુરા, ચાંપાનેર દરવાજા, હાથીખાના, યાકુતપુરા તથા આસપાસના વિસ્તારોમાં ડ્રોન સરવે અને સર્ચ એન્ડ સર્વેલન્સ કરવામાં આવી રહ્યો છે.